Thursday, April 19, 2018

આદિવાસી વિસ્તારોમાં બાળકોનો શિક્ષણ-સંધર્ષ


આદિવાસી લોકોની એકતા દાખવતા આ નૃત્ય ને ચીંચલી ના યુવાનોએ દેશભરમાં પ્રખ્યાત કર્યું છે.જે ખૂબ જ ગૌરવની વાત છે .


   "
અમે જંગલ-ડુંગરાના રહેવાસી,
    અમે તો આ દેશનાં આદિવાસી..."

   ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં બરડીપાડા ગામની શાળાનાં  વિધાર્થીઓ દ્વારા ગવાતું આ ગીત આદિવાસી સંસ્કૃતિને હુંફ આપી રહ્યું હતું.આ માત્ર ગીત નહોતું એમનું અસ્તિત્વ દર્શન કરાવી રહ્યું હતું.બાળકો સુંદર રાગ સાથે આ ગીતને ગાય રહ્યા હતાં.વાતાવરણ અને પ્રકૃતિને મળતું આ ગીત અલગ પડેલાં પણ પ્રકૃતિપ્રેમી લોકોનું આર્દશ હતું.આદિવાસી વિસ્તારોમાં બાળકોને ભણવામાં ઘણીબધી તકલીફો પડતી હોય છે.દુર-દુર રહેલી શાળાઓ પર જવા માટે બાળકો ભયાનક જંગલો કાપીને જતા હોય ત્યારે સૌથી મોટું જોખમ એનાં જીવનું હોય છે.સરકાર પણ પાયાની શૈક્ષણિક જરૂરિયાતો પહોચાડવામાં નિષ્ફળ રહી છે.આદિવાસીઓ પોતાના ઘરો છોડીને શહેરોમાં જવા ઈચ્છતાં નથી તેમણે પ્રકૃતિ સાથે જ રહેવું પસંદ છે.જંગલો,ઝાડીઓ સાથે એમનો પ્રેમ અદભુત છે.

    "તમે ઘી જોયું છે?" આવો પ્રશ્ર્ન પુછતાં જ બધા બાળકો બોલી ઉઠ્યા "ના".બાળકોએ સાચે જ ક્યારેક ઘી જોયું નહોતું.ઘી ની વાત છોડો બાળકોએ ક્યારેય દરિયો,રણ જેવા પ્રાકૃતિક વિસ્તારો પણ જોયા નહોતા. આમ બાળકોને અભ્યાસમમાં સાચું શિક્ષણ આપવું એ પણ શક્ય નથી.જે બાળકોને ઘરની પુરતી વસ્તુઓ વિશે જ ખબર ના હોય તેમણે શિક્ષણ આપવું એ અઘરું બની રહે.જયારે કોઈજ મુદ્દો આપણે તેમને સમજાવવા ઇચ્છતાં હોય પણ એ મુદ્દામાં આવતાં સામાન્ય શબ્દોનું જ જ્ઞાન બાળકો પાસે ના હોય તો સમજાવી શકાય નહી.આ તો એકડો પહેલેથી ઘુંટવા જેવી વાત થઈ જાય.હા આપણાં વિકસિત ગણાતાં ગુજરાતનાં કેટલાય આદિવાસી વિસ્તારોની હાલત આવી જ છે.બાળક અમુક પ્રકારની દુનિયામાં જ છે તે બહાર આવ્યા જ નથી.અમુક વસ્તું તો તેમણે જોઈ જ નથી જે આપણે ત્યાં રોજબરોજના કામોમા ઉપયોગ લેવાય છે.આ બધા પાછળનું કારણ એક જ છે નબળી શિક્ષણની ગુણવત્તા,ઓછું પારિવારિક શિક્ષણ અને અધત્તન સાધનો જેના દ્વારા વૈશ્ર્વિક જ્ઞાન આપી શકાય તેનો અભાવ.આમ જો આ વિસ્તારોને આપણે એક ચોકકસ હરોળ સુધી લાવવા હોય તો તેના મુજબનાં માપદંડો અનુસરવા જ રહ્યા.વૈજ્ઞાનિક ઢબે શિક્ષણ આપીને જ બાળકોને વ્યવસ્થિત તૈયાર કરી શકાય જેથી તેઓ પણ આપણી આ ડિજિટલ દુનિયા સાથે કદમ મિલાવી શકે.હંમેશા આપણો પ્રયાસ સમાનતાનો હોવો જોઈએ આથી આપણે આપણા દેશનાં કે રાજ્યનાં છેવાડાનાં બાળક સુધી શિક્ષણ પહોચાડી શકીએ.ડિજિટલ દુનિયાથી આપણે દરિયાપાર આવેલા ખંડો મહાસાગરો પર વાતો કરીએ છીએ જીવંત બનીને તો આપણે આપણા આદિવાસી વિસ્તારોને પણ દુરસંવેદનનાં માધ્યમથી વિકસીત કરવા જ રહ્યા.દેશનાં વિકાસમાં સૌનો ફાળો અનિવાર્ય છે એક પ્રતિભા દેશને માન અપાવી શકે તેમ હોય છે ભલે તે આદિવાસી વિસ્તારનાં જંગલમાંથી કેમ ન આવતી હોય આપણી ફરજ છે કે આપણે એ પ્રતિભાને બહાર લાવીને સમાજ સમક્ષ મુકવી.

  ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં ચોમાસે વરસાદી કેર વર્તે છે તો ઉનાળે પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવે છે.ચાર મહિનાના વરસાદ સમયે ડાંગ જિલ્લો લીલોછમ બની જાય છે ત્યારે બીજા ચાર મહિનામાં તો એક લીલા ઘાસનું તરણું પણ મળવુ મુશ્કેલ બની જાય છે.પાણીની સમસ્યા વિકરાળ બની કેર વર્તાવે છે અને લોકો પાણી માટે તડપી ઉઠે છે.

   બાળકોને મુખ્ય રીતે આ સમસ્યાનો સામનો સ્કૂલોમા જ કરવો પડે છે કારણ કે સ્કૂલોમાં પાણીની સંગ્રહ વ્યવસ્થા હોતી નથી.બાળકોને શૌચ જવા માટેનું પણ પાણી મળતું નથી.આથી બાળકો સ્કૂલે આવવાનું ટાળતા હોય છે.બીજો મુખ્ય મુદ્દો એ આવીને બની રહે છે કે કુંટૂંબીજનો બાળકો પાસેથી એવી આશા રાખે છે
એ બાળકો તેમને ઘરકામ કે ખેતીકામમાં મદદ કરે.આમ પારિવારિક આર્થિક સ્વાર્થ પણ બાળકોના શિક્ષણને ભરકી જાય છે.આદિવાસી કુંટૂંબો સ્વાવલંબી હોય છે.વર્ષમાં પોતાનું ગુજરાન ચાલે તેટલાં જ ચોખાનું વાવેતર પોતાની ઘરની નજીક બનાવેલાં ખેતરમાં કરતાં હોય છે.આથી જે પણ ઉત્પાદન મળે તેમાં આખા વર્ષ દરમ્યાન ગુજરાન કરવું પડે.ડાંગર એ મુખ્ય પાક ગણાય છે અહીંયાના આદિવાસી વિસ્તારોમાં તે લોકો જુદાં-જુદાં શાક સાથે માત્ર ભાત જ આરોગતા હોય છે.અહીંયા ઘરોમાં મરઘાં-બતકા પાળવાનો રિવાજ છે જેના દ્વારા તેમનાં ઈંડામાંથી ખોરાક મળી રહે.ક્યારેક મરઘીઓનું પાલન તેમનાં માંસ માટે પણ કરવામાં આવતું હોય છે.આમ પ્રકૃતિ સાથે રહેનારાં આ આદિવાસી લોકો એક જ અલગ જ પોતાની રહેણીકરણી સાથે જીવે છે.

   આદિવાસી વિસ્તારોમાં ગામડાંઓ દુર-દુર આવેલાં હોવાથી અને શાળાઓ અમુક જગ્યાએ જ હોવાથી બાળકોને કોઈપણ મોસમ હોય કે તકલીફ ચાલીને જ જવું પડે છે.આદિવાસી વિસ્તારોનાં ઘરો છુટા-છવાયેલાં અને જ્યાં પણ પાણી કે નદી અથવા ઝરણું હોય ત્યાં સ્થાયી થયેલાં જોવા મળે છે.આમ છુટા છવાયેલાં ઘરો અને રહેવાસો પણ બાળકોની નિયમિત રીતે ચાલતી શૈક્ષણિક પ્રણાલીને અસર કરે છે.પરિવારોમાં પણ કોઈપણ ખાસ્સું ભણેલ ના હોવાથી આ બાબતે માર્ગદર્શન ખૂબ જ ઓછું પ્રાપ્ત થાય છે.મહિલાઓ હંમેશા ઘર સંભાળતી નજરે પડે છે અને પુરુષો તો ખેતરોમાં સંભાળ લેવામાં જ પડયા રહે છે.બાળકોને પણ જો કામ વધારે હોય તો ખેતરોમાં મજૂરી કરવા લઈ જવામાં આવે છે.આદિવાસી વિસ્તારો આર્થિક રીતે સાવ નબળા વિસ્તારોમાં ગણવામા આવે છે આથી જ રોજગારી માટે અને પારિવારીક ખર્ચાને પહોંચી વળવા માટે બાળકોના પણ કામમાં જોતરવામાં આવે છે.બાળકોએ ફક્ત શિક્ષણ મેળવવું જોઈએ એ ઉંમરમાં તેમને ખેતરોમાં મજૂરી કરવી પડે છે.બાળકોનું ભવિષ્ય શિક્ષણ બધું જ બરબાદ થઈ જાય છે અને પરિવારની બીજી પેઢી પણ સાવ અભણ જ બની જાય છે.આધુનિક વિચારધારાના મુખ્યપ્રવાહમાં ન હોવાથી આ ધટનાઓ બનતી હોય છે.

 શાળાઓ આદિવાસી વિસ્તારોમાં હોવાથી અને સરકારી હોવાથી ત્યાંના શિક્ષકોની નિમણૂક પણ સરકારી ધોરણે થાય છે.નવા આવેલાં શિક્ષકો અને આધુનિક જીવનશૈલીમાં રહ્યા હોવાથી જલદીથી અહીંના વાતાવરણમાં રહી શકતાં નથી.તેઓને અહીં બરોબર નેર્ટવક પણ મળતું નથી અને પરિવાર સાથે વાતચીત પણ શકય બનતી નથી.આથી જ મોટા ભાગના શિક્ષકો અહીં નિમણુકનાં થોડા દિવસોમાં જ છોડીને જતાં રહે છે.બાળકોને શાળામાં સારા શિક્ષકોની ખામી વર્તાય છે અને બરોબર જે ગુણવત્તાનું શિક્ષણ મળવું જોઈએ તે મળતું નથી.અહીં ફક્ત ગાઢ જંગલ વિસ્તાર હોવાથી નેર્ટવકનાં પ્રોબ્લેમ ખાસ જ ઉભા થાય છે.મુખ્ય શહેરો સિવાય બધે જ દુર-સંવેદન પ્રણાલી નિષ્ફળ નિવડી ચુકી છે.બાળકીઓને અંધશ્રધ્ધાના શિકાર હોવાથી ભણાવવામાં આવતી નથી.સામાન્ય નહી પણ મોટાભાગના લોકો છોકરીઓને બહાર ભણવા મોકલતાં નથી.જ્યા સુધી ગામમાં સ્કૂલ હોય ત્યાં સુધી જ છોકરીઓને શિક્ષણ આપવામાં આવે છે.આદિવાસી વિસ્તારોનાં કરોડો રૂપિયાનાં કાર્યક્રમો પણ આ આંકડાઓને બચાવીશક્યા નથી.છોકરીઓનો શાળા છોડવાનો રેશિયો ખૂબ જ વધારે છે.હવે અમુક વિસ્તારોને છોકરીઓને પણ ભણાવવી જોઈએ એ વાત સમજણમાં આવવા લાગી છે તો થોડાક પૈસાથી સુખી કુંટૂંબો પોતાની દિકરીઓને શહેરોમાં અભ્યાસ કરવા મોકલે છે અને દિકરીઓ સારી નોકરી પણ મેળવે છે.

  આદિવાસી વિસ્તારો જંગલોમાં હોવાથી ફોરેસ્ટ એક્ટ મુજબ પ્રદુષણ ફેલાવતી કોઈપણ જાતની ફેક્ટરીને મંજૂરી મળે નહી.આથી રોજગારીની તકો સાવ જ ઓછી છે.કોઈ નવી જ ફેક્ટરી નહી ઉધોગો ન હોવાથી અહીના લોકોને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હોય છે.પરિવારો જંગલોની આડપેદાશો પર નિર્ભર બની જતા હોય છે જેમ કે ઔષધીઓ,વાંસ વગેરેની વસ્તુઓ બનાવીને શહેરોમાં વેચીને ગુજરાન ચલાવવા માડતા હોય છે.છોકરાઓ પણ આ જ વ્યવસાયની અંદર જોડાય જાય છે અને એક નહી આખું પરિવાર આ જંગલીપેદાશો આધારિત વસ્તુઓના વેચાણ પર કમાવા લાગે છે.

  સરકાર તરફથી આપવામાં આવેલા યુનિફોર્મને બાળકો સાચવીને રાખે છે અને બે જોડી હોય તો તેમાંની એક જોડી સ્કૂલ માટે જ્યારે બીજી જોડી તેઓ બહાર ગામ જાય ત્યારે વાપરતાં હોય છે.આમ આ વાત પરથી જ જોઈ શકાય છે કે કેટલી ગરીબીનો સામનો કરવો પડતો હશે તેમને.શિક્ષકો તેમને ઠપકો આપતાં કહ્યુ કેમ આ કપડાં પહેરીને આવે છે ગંદા હંમેશા બાળકો કહ્યું સાહેબ કપડાં ધોવા માટે પાણી નથી.આમ ત્યાં અનુભવાય રહેલી પ્રાથમિક સુવિધાનો ખ્યાલ આવે.પહાડી વિસ્તારો હોવાથી સીધી રીતે લાઇનો બિછાવી પાણી પહોંચાડી શકાય તેવી પરિસ્થિતિ નથી.પાણીના સંગ્રહ માટે ઘરે-ઘરે જેની જેવી આર્થિક ક્ષમતા મુજબના પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે જેથી કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય.

  ગુજરાતનાં વિવિધ વિસ્તારમાં આદિવાસી એકલવ્ય મોડેલ સ્કૂલની રચના કરવામાં આવી છે.આ સ્કૂલ અનુસુચિત જનજાતિ ને પુરતુ શિક્ષણ મળે તે માટેની વિશેષ ધારા 275(E) અંતર્ગત હેઠળ કરાય છે.સર્વ શિક્ષા અધિનિયમ,2009 મુજબ આદિવાસી વિસ્તારોમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે પ્રયત્નો કરવા પડે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનાં સંયુક્ત સાહસથી એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલો ખોલવામાં આવી છે.આ સ્કુલમાં પ્રવેશ માટે એક પરિક્ષાનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ ઉર્તીણ થયેલા દરેક બાળકને મફત રહેવાની,જમવાની અને દરેક શિક્ષણની સુવિધા આપવામાં આવે છે.ક્યારેક સંચાલનો સરકારી હોવાથી પોતાના અંગત સ્વાર્થ માટે આ શાળાઓમાં ભષ્ટ્રાચાર આચરવામાં આવે છે અને નીચી ગુણવત્તાવાળું ખાવાનું આપવામાં આવે છે.
આમ આદિવાસી વિસ્તારોની શાળાઓ કરોડોનાં ખર્ચે વાઈબ્રન્ટ બની  છે પણ હજુ જોઈએ તેવો વિકાસ સાધી શકાયો નથી.આંકડાઓ માત્ર કાગળ પર જ છે અને દેખાડવા પુરતો વિકાસ થયો છે.પાણીના ટીપા માટે ગુજરાતનાં આદિવાસીઓ ટળવળે છે જ્યારે ચોમાસા તેમનાં છાપરાઓ તણાઈ જાય છે.બાળકો માટે સુવિધાઓનો અભાવ છે.સારા ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ છે.

લેખક શ્રી: Gautam B Parmar (gujarat university journalism department)

1 comment:

  1. Dear Sir, i agree with you. My name is Aakash Koralwala form Ahmedabad. I am working GACL Dahej Bharuch as CSR officer. so please contact me and some issue short out for under CSR Fund and Development Education system in Dang. I hope please Contact : Aakash - 9723672815 . mail id : ges.aakash@gacl.co.in

    ReplyDelete

ડાંગ વિધાનસભાની બેઠકમાં 1975થી ઉમેદવારો અને હરીફ અંગેનો વિશેષ અહેવાલ

  ગુજરાત   વિધાનસભાની  173  બેઠક   માટે   પેટા   ચૂંટણી   યોજાવાની   છે .  આ   બેઠક   ઉપર  2017 માં   કોંગ્રેસ   પક્ષમાંથી   ચૂંટાઈ   આવેલા ...